અત્યાર સુધી દેશદ્રોહી કહેતા હતા હવે એ ભાજપ માટે હાર્દિક સારો બની ગયોઃ ગોપાલ ઇટાલિયા

ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ઊથલપાથલ જોવા મળી રહી છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આમ આદમી પાર્ટી પણ મેદાને જોવા મળશે. તેવામાં તાજેતરમાં ચર્ચાઓ શરૂ થઈ છે કે હાર્દિક પટેલ ચૂંટણી પહેલા ભાજપમાં જોડાવાનો છે. આ મુદ્દે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ પોતાની પ્રતિક્રિયા આપી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા અંગે નિવેદન આપ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે ભાજપના નેતાઓ હાર્દિક પટેલને દેશદ્રોહી કહી રહ્યા હતા, તેવામાં હવે ચૂંટણી નજીક આવતાં ભાજપ માટે હાર્દિક હીરો બની ગયો..

ગોપાલ ઇટાલીયા એ વધુમાં ઉમેર્યું હતું કે ભાજપ પોતાની વિચિત્ર માનસિકતા દેખાડી રહી છે. અત્યાર સુધી જે હાર્દિક પટેલને દેશદ્રોહી, ગુજરાત વિરોધી કહીને જેમ ફાવે તેમ સંબોધતા હતા તે હાર્દિક પટેલના હવે ભાજપ બે મોઢે વખાણ કરી રહ્યું છે. આ તકે તેમણે કટાક્ષ કરતાં એમ પણ કહ્યું હતું કે ભાજપની આ કેવી માનસિકતા છે ?

તેણે કહ્યું હતું કે ભાજપની નીતિ એવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ તેના વિરોધમાં હોય ત્યારે તેના વિશે ખરાબ બોલવાનું અને જ્યારે તે વ્યક્તિની ભાજપને જરૂર પડે તો અચાનક જ તેની વાહવાહી શરૂ કરી દેવાની.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે તેવા હવે જાહેર થઈ ચૂકી છે. ચર્ચા એવી પણ છે કે હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો હાથ છોડી દેશે. તેવામાં આમ આદમી પાર્ટીએ હાર્દિક પટેલને ખુલ્લું આમંત્રણ આપ્યું છે. આ આમંત્રણ પણ ગોપાલ ઇટાલીયા મીડિયા સમક્ષ હાર્દિક પટેલને આપ્યું હતું.

થોડા સમયથી ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે જોકે આ મામલે નરેશ પટેલે હજુ સુધી મગનું નામ મરી નથી પડ્યું તેવામાં હવે ચર્ચાઓ છે કે હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે. થોડા સમય પહેલા જ રાજકોટ ખાતે નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે કલાકો ની બેઠક થઇ હતી ત્યાર પછી હાર્દિક પટેલ દિલ્હી પહોંચ્યો હતો. હાર્દિક પટેલની કોંગ્રેસમાં અવગણના થાય છે તેવી તેની ફરિયાદ છે આ ફરિયાદ તેણે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ સમક્ષ પણ કરી હતી.

જો કે આ ફરિયાદ ની સામે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ વેણુગોપાલ એ હાર્દિક પટેલ ને ઠપકો આપ્યો હતો. તેમણે હાર્દિક પટેલને પક્ષને નુકસાન થાય તેવાં નિવેદનો જાહેરમાં ન કરવા ટકોર કરી હતી. જોકે તેમ છતાં પણ હાર્દિક પટેલની નારાજગીનો અંત આવ્યો નથી અને ચર્ચાઓએ જોર લીધું છે કે તે કોંગ્રેસ પાર્ટી છોડી દેશે. તેવામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ હાર્દિક પટેલ ને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.

Leave a Reply

Your email address will not be published.