ગુજરાતમાં ડોક્ટરની હડતાળથી દર્દીઓની તકલીફ વધી, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લગભગ 100 સર્જરી રદ

ગુજરાતમાં લાંબા સમયથી માંગ પુરી ન થવાના કારણે લગભગ 10,000 જેટલા મેડિકલ ટીચર હડતાળ પર ઉતર્યા છે. ટીચર્સ હડતાળ પર જવાના કારણે સોમવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 100 જેટલી સર્જરીઓ રદ કરવામાં આવી હતી. એ દરમિયાન, આયુષ ડોકટરોએ પણ લંબિત NPA મુદ્દાઓને લઈને મંગળવારથી હડતાળ પર જવાની ધમકી આપી છે.

આજે લગભગ 650 મેડિકલ ટીચર્સ બીજે મેડિકલ કોલેજ કેમ્પસમાં એકઠા થયા હતા જ્યાં તેઓએ કાળી પટ્ટીઓ પહેરી હતી અને રાજ્ય સરકારની નીતિઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તમને જણાવી દઈએ કે પીજી મેડિકલના વિદ્યાર્થીઓની થિયરી પરીક્ષા ચાલી રહી છે. થોડા દિવસોમાં પ્રેક્ટિકલ પણ થશે. જો હડતાળ સમાપ્ત નહીં થાય તો તેના અભ્યાસને અસર થશે.

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન (જીએમટીએ)ના ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, “અમારી માંગણીઓ પર લાંબા સમયથી વિચારધીન હતી. અમે છેલ્લા બે વર્ષમાં 4-5 વખત હડતાળ પર જવાનો નિર્ણય લીધો હતો. એ સમયે મંત્રીઓ અને અધિકારીઓની અપીલ અને કોવિડની સ્થિતિના કારણે અમે હડતાળ પાછી લઈ લીધી હતી. જો કે, હવે અમે ઉકેલ વિના પાછા હટીશું નહીં.”

અન્ય એક પ્રોફેસરે જણાવ્યું હતું કે પહેલાની હડતાલ દરમિયાન પ્રદીપસિંહ જાડેજા, રૂષિકેશ પટેલ અને અન્ય મંત્રીઓએ સૂચનાઓ બહાર પાડી હતી, સમિતિઓની રચના કરી હતી. જો કે, કોઈએ અમારી ચિંતાઓ દૂર નથી કરી. પ્રોફેસરે કહ્યું કે આ સરકાર જુઠા વાયદા કરે છે અને એટલે જ અમે આ વખતે આ લોકોની કોઈ વાત ન સાંભળવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.