ગુજરાતમાં મેઘરાજાએ કરી જોરદાર એન્ટ્રી, લાઠીમાં જોવા મળ્યો ભારે વરસાદ

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો જોરદાર કંટાળી ગયા છે અને હવે લોકો મેઘરાજા ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ કેરળમાં ચોમાસાના આગમન બાદ પ્રગતિની ગતિ ધીમી પડવાથી ધીમી પડી છે. પરંતુ રાજ્યમાં મોન્સૂન પહોંચી ગયું હોય એ રીતે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં મંગળવારે જેઠ મહિનામાં જ અષાઢ જેવો માહોલ જોવા મળ્યો.

મંગળવારે સાવરકુંડલઆ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અમરેલીના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા આજે મેઘરાજાનું આગમન થયું છે. સાવરકુંડલામાં વંડા, મેવાસા, શેલણા, વશીયાળી, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને ત્યારબાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

હાલ મેઘરાજા મન મૂકીને લાઠીમાં વરસાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ મહેરબાની કરી છે અને પાટણમાં વરસાદ વરસી રહ્યો છે. અમરેલીના લાઠી પંથકમાં પણ વરસાદના આગમનથી લોકોમાં આનંદ છવાયો છે અને અસહ્ય ગરમી બાદ વરસાદી માહોલ જારી રહ્યો છે.

લાઠીના હરસુરપુર દેવલિયા, શેઠ પીપરીયા, કેરીયા સહિત અન્ય ગામોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. જો કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8 જૂનથી 11 જૂન સુધી થંડર સ્ટોર્મ એક્ટિવિટી રહેશે.

સુરત, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્ય વરસાદની શક્યતા છે. જો કે ચોમાસાની રાહ જોવી પડશે.”

હાલમાં રાજ્યમાં પશ્ચિમી દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

જોકે, 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. સાથે જ તાપમાનમાં ઘટાડો થવા છતાં હવામાં ભેજનું પ્રમાણ વધુ રહેશે અને ભેજનો અહેસાસ થશે.

Leave a Reply

Your email address will not be published.