હવે PM મોદીએ કોરોનાને લઈને ચેતવણી આપી, કહ્યું- ‘બહરૂપિયા’ સતત તેનું સ્વરૂપ બદલી રહ્યો છે’…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે કોરોના વાયરસ ગયો નથી અને તે વારંવાર સામે આવી રહ્યો છે. આ સાથે તેમણે લોકોને કોરોના વાયરસ વૈશ્વિક મહામારી સામે સતત જાગ્રત રહેવાની અપીલ પણ કરી હતી.

પીએમ મોદીએ કહ્યું કે ‘બહરૂપિયા’ કોવિડ-19 ફરી ક્યારે સામે આવશે તે કોઈ નથી જાણતું. તેમણે કહ્યું કે કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે રસીના લગભગ 185 કરોડ ડોઝ આપવાનું કામ લોકોના સહયોગથી જ શક્ય બન્યું છે.

મોદીએ ગુજરાતમાં જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે મા ઉમિયા ધામના મહાપટોત્સવ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કર્યો હતો. કડવા પાટીદાર સમાજના કુળદેવી ગણાતા મા ઉમિયાના મંદિરના 14મા સ્થાપના દિને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ મા ઉમિયાના ભક્તોને રાસાયણિક ખાતરોના જોખમથી ધરતી માતાને બચાવવા માટે કુદરતી ખેતી પદ્ધતિઓ અપનાવવા વિનંતી કરી.

તેમણે ભારતની આઝાદીના 75માં વર્ષમાં આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવામાં મદદ કરવા લોકોને અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે મા ઉમિયાના ભક્તોએ એનિમિયા અને કુપોષિત બાળકોની માતાઓની સંભાળ લેવા માટે ગ્રામ્ય સ્તરે પગલાં ભરવા જોઈએ. તેમણે કહ્યું કે મંદિરનું સંચાલન કરતા ‘મા ઉમિયા ટ્રસ્ટ’એ બાળકોના સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે ગ્રામ્ય સ્તરે સ્પર્ધાઓનું આયોજન કરવું જોઈએ. તેમણે કહ્યું, ‘મા ઉમિયાના ભક્તોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈપણ સમુદાયનું કોઈ બાળક કુપોષિત ન રહે. બાળક બળવાન હોય તો સમાજ અને દેશ મજબૂત બને છે.

Leave a Reply

Your email address will not be published.