કેન્દ્ર બાદ હવે આ ત્રણ રાજ્યોએ પણ ઘટાડી પેટ્રોલ ડીઝલની કિંમત, જાણી લો ક્યાં રાજ્યો છે

સામાન્ય લોકોને મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ પેટ્રોલ સાડા 9 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ રાજ્યો પણ પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કરી રહ્યા છે.

અત્યાર સુધી રાજસ્થાન, ઓડિશા અને કેરળની સરકારોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ઘટાડો કર્યો છે. આ સિવાય કોઈપણ રાજ્યે વેટમાં ઘટાડો કર્યો નથી. આ ત્રણ રાજ્યોમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. જ્યારે ઓડિશામાં બીજુ જનતા પાર્ટીનું શાસન છે, નવીન પટનાયક મુખ્યમંત્રી છે. તો કેરળમાં સીપીએમની સરકાર છે, પિનરાઈ વિજયન મુખ્યમંત્રી છે.

કેન્દ્ર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ કેરળ સરકારે સૌથી પહેલા ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. શનિવારે, કેરળએ પેટ્રોલ અને ડીઝલ પર રાજ્યના ટેક્સમાં અનુક્રમે રૂ. 2.41 અને રૂ. 1.36 પ્રતિ લિટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

કેરળના નાણાપ્રધાન કેએન બાલગોપાલે રાજ્યના કરવેરામાં કાપની જાહેરાત કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે તેના દ્વારા લાદવામાં આવેલા ભારે ટેક્સમાં આંશિક ઘટાડો કર્યો છે. જોકે, તેમણે કેન્દ્રના નિર્ણયને આવકાર્યો હતો.

રાજસ્થાન સરકારે પેટ્રોલ પર 2.48 રૂપિયા અને ડીઝલ પર 1.16 રૂપિયા પ્રતિ લિટર વેટ ઘટાડ્યો છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે રાજ્ય સરકાર પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 2.48 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂ. 1.16નો વેટ ઘટાડી રહી છે. તેનાથી રાજ્યમાં પેટ્રોલ 10.48 રૂપિયા અને ડીઝલ 7.16 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થશે.”

આ સિવાય ઓડિશા સરકારે પણ પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં અનુક્રમે 2.23 રૂપિયા અને 1.36 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ ઓડિશામાં પેટ્રોલની નવી કિંમત 102.25 રૂપિયા અને ડીઝલની કિંમત 94.86 રૂપિયા પ્રતિ લિટર છે.

Leave a Reply

Your email address will not be published.