ખોડલધામ અને રાજકારણમાં આવવાના અભરખા બંને છૂટતા નથી, રાજકારણમાં પ્રવેશની જાહેરાતના 100 દિવસ પછી પણ નરેશ પટેલ આપે છે તારીખ પે તારીખ…

ખોડલધામ એટલે નરેશ પટેલ આવી ઓળખ ધરાવનાર પાટીદાર સમાજના અગ્રણી છેલ્લા થોડા દિવસોથી સતત ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે તેને ફેબ્રુઆરી મહિનામાં રાજકારણ માં જોડાવાની કરેલી વાત. આ જાહેરાત પછી સૌ કોઈને ઇંતેજારી છે કે નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે. પરંતુ આજ સુધી નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે કોઈ જ સ્પષ્ટતા થઈ નથી.

નરેશ પટેલ એક પછી એક સાત વખત રાજકારણમાં જોડાવા અંગેની તારીખો પાડી ચુક્યા છે. જેના કારણે હવે તેઓ રાજનીતિ ની રમત રમતા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. સૌથી પહેલા તેમણે જણાવ્યું હતું કે રાજકારણમાં જોડાવું કે નહીં તે અંગે સમાજ કહેશે તેમ કરશે. રાજકારણ અંગેનો નિર્ણય પહેલીવાર 20થી 30 માર્ચ વચ્ચે જાહેર કરવાનું કહેવામાં આવ્યું હતું.

ત્યાર પછી 27 એપ્રિલે ખોડલધામની મળનારી બેઠક પછી આ નિર્ણયની જાહેરાત થશે તેવી તારીખ પાડવામાં આવી. ત્યારે પણ કોઈ જ જાહેરાત થઈ નહીં અને નરેશ પટેલે મીડિયાને સંબોધીને એવું કહ્યું કે તે 15 મે સુધીમાં તેનો નિર્ણય જાહેર કરી દેશે. પરંતુ જ્યારે પણ કોઈ જાહેરાત થઇ નથી અને તારીખ પડી 31 મે ની.

31 મે પણ પસાર થઈ ચૂકી છે અને હજુ પણ નરેશ પટેલે કોઇ જ નિર્ણય જાહેર કર્યો નથી. તેમણે સમાજ માટે કહ્યું હતું કે જેમ સમાજ કહેશે તેમ કરશે પરંતુ આજ સુધી સમાજનો મત શું છે તેની પણ જાહેરાત થઇ નથી.

તેવામાં હવે એવી પણ ચર્ચા થઈ રહી છે કે કદાચ નરેશભાઈ રાજકારણમાં જવાનું જ માંડી વાળે કારણ કે સર્વ પક્ષ હાલ તેમને ખોડલધામના ચેરમેન તરીકે સન્માન આપે છે કે તે રાજકારણમાં જાય તો આ સન્માન ગુમાવી દેશે.

આ ચર્ચા અત્યારે શરૂ થઈ જ્યારે તાજેતરમાં જ વડાપ્રધાન મોદી આટકોટમાં હોસ્પિટલનું લોકાર્પણ કર્યું. આ હોસ્પિટલ પાટીદાર સમાજના અગ્રણીઓએ જ બનાવી છે તેમ છતાં સૌરાષ્ટ્રના પાટીદારોના મોટા ચહેરા એવા નરેશ પટેલ ત્યાં હાજર ન હતા. આ અંગે તેઓ અન્ય કાર્યમાં વ્યસ્ત છે તેવું જણાવવામાં આવ્યું હતું.

અન્ય એક ચર્ચા એવી પણ થઈ રહી છે કે આ કાર્યક્રમથી તેઓ દૂર રહ્યા તેનો અર્થ છે કે નરેશ પટેલે ભાજપથી દૂર રહેવાનો સંકેત આપ્યો છે. તેવામાં કુછ પણ ત્યારે ઊભી થઈ જ્યારે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય તેવો નિર્ણય જાહેર કર્યો. હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે નરેશ પટેલ પોતે જ તેના નિર્ણય વિશે જાહેરાત કરશે કે કેમ.

બીજી તરફ ચર્ચા એવી પણ છે કે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તો જુન મહિનાના ત્રીજા અઠવાડિયામાં રાજકોટમાં એક ભવ્ય સભા યોજાશે. કારણ કે કોંગ્રેસે તાજેતરમાં જ કારોબારી યોજી અને પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે.

સાથે જ કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે 15 જૂન આસપાસ સોનિયા ગાંધી અથવા તો પ્રિયંકા ગાંધી સૌરાષ્ટ્ર આવી રહ્યા છે. તેવામાં નરેશ પટેલ કોંગ્રેસમાં જશે તો આ દિવસે રાજકોટમાં જ ભવ્ય સભા યોજાશે અને નરેશ પટેલને કોંગ્રેસ હાઈકમાન્ડ પોતાના હાથે ખેસ પહેરાવશે.

Leave a Reply

Your email address will not be published.