કૃષ્ણ અને સુભદ્રા પરના નિવેદન મામલે CR પાટીલે કહ્યું- ‘કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાઈ હોય તો માફી માગુ છું’

તાજેતરમાં માધવપુર ખાતે યોજાયેલા લોકમેળામાં હાજરી આપવા પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તેમના ભાષણ દરમિયાન મોટી ભુલ કરી હતી. તેમણે તેમના ભાષણમાં શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહને બદલે શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના લગ્નની વાત કરી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. આ સાથે જ રાજકારણમાં પણ ગરમાવો આવ્યો હતો. ત્યારે હવે સી આર પાટીલે તેમના આ નિવેદન મામલે પ્રતિક્રિયા આપી માફી માંગી છે.

તેમણે લોકોની માફી માંગતા કહ્યું હતું કે, ” લોકમેળા દરમિયાન શરતચૂકથી વક્તવ્યમાં ભુલ થઈ હતી. જો કે મે તે જ સમયે ભુલ સુધારી માફી માંગી હતી. પરંતુ તેમ છતાં કેટલાક લોકોએ મને ફોન પર માફી માંગવાનો તો કેટલાકે દ્વારકા આવીને માફી માંગવા આગ્રહ કર્યો હતો. જેનો મે હકારાત્મક જવાબ આપ્યો છે. ત્યાર ફરી એકવાર મારા નિવેદન બદલ માફી માંગુ છું. દ્વારકા જઈને પણ હુ માફી માગવા તૈયાર છું.

પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ માટે અપમાનજનક વાત કરવાનો ઈરાદો ન હતો. છતા કોઈ વ્યક્તિ કે સમાજની લાગણી દુભાઈ હોય તો માફી માંગું છું.

મહત્વનું છે કે તાજેતરમાં જ માધવપુર ખાતે લોકમેળાનું આયોજન થયું હતું. આ મેળો શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગે યોજાય છે. જેમાં આ વર્ષે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ હાજરી આપી હતી. જો કે તેમણે સ્ટેજ પરથી તેમના ભાષણમાં શ્રીકૃષ્ણ સાથે રુક્ષ્મણીજીના લગ્નનો ઉલ્લેખ કરવાને બદલે શ્રીકૃષ્ણ અને બહેન સુભદ્રાના લગ્નની વાત કરી હતી. તેમણે તેમના ભાષણ દરમિયાન શ્રીકૃષ્ણએ સુભદ્રાનું અપહરણ કર્યું, લગ્ન કર્યા એ રીતે ઘણીવાર ઉલ્લેખ કર્યો જેના કારણે લોકોમાં રોષની લાગણી ઊભી થઈ છે.

Leave a Reply

Your email address will not be published.