નરોડા ઓવરબ્રિજના નામને લઈને વિવાદ, મહિલાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ : નરોડા ઓવરબ્રિજને સતગુરુ સ્વામી ટેઉરામજી નામ અપાયું

નરોડા ઓવરબ્રિજના નામકરણ ને લઈને જ વિવાદ ચાલી રહ્યો છે તે આજે વકર્યો હતો. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આખો બ્રીજનું લોકાર્પણ કર્યું હતું. જોકે લોકાર્પણ પહેલા ભારે હોબાળો જોવા મળ્યો હતો. દલિત સમાજની મહિલાઓ નરોડા રેલવે ઓવરબ્રિજના સ્થળ પાસે પહોંચી ગઈ હતી અને આ તકે પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિવાદની શરૂઆત ત્યારે થઇ જ્યારે પોલીસે સ્થાનિકોને વિડીયો બનાવવાની મનાઈ કરી.

આ સાથે જ સ્થિતિ એવી વણસી કે પોલીસને 30 જેટલી મહિલાઓની અટકાયત કરવી પડી અને આ મહિલાઓને પોલીસ હેડકવાર્ટર લઈ જવામાં આવી. જોકે આ વિવાદની શરૂઆત બ્રિજનું નામ આપવાને લઈને થઈ હતી. જો કે મુખ્યમંત્રી નું આગમન થાય તે પહેલાં જ નવી તકતી અહીં લગાવી દેવામાં આવી હતી.

નરોડા ચિલોડા ઓવર બ્રિજનું નામ સતગુરુ સ્વામી ટેઉરામજી મહારાજ ના નામથી રાખવામાં આવ્યું છે. જોકે આ મામલે કોઇપણ પ્રકારનું હોબાળો ન થાય તે માટે જ પોલીસે સવારથી જ દલિત સમાજના આગેવાનોની અટકાયત કરી લીધી હતી. પરંતુ તેમ છતાં મહિલાઓ સાથે પોલીસ નું ઘર્ષણ થયા ના દ્રશ્યો સર્જાયા હતા.

ઉલ્લેખનીય છે કે દલિત સમાજની માંગ હતી કે આ ઓવર બ્રિજ નું નામ તેમના સંત રોહીદાસના નામથી કરવામાં આવે. પરંતુ સિંધી સમાજના સંતના નામથી કોર્પોરેશનમાં આ બ્રિજ નો ઠરાવ પાસ કરી દેવામાં આવ્યો હતો. દલિત સમાજની મહિલાઓએ બ્રીજનું લોકાર્પણ થાય તે પહેલાં નામની તકતી કાઢી નાખી હતી. પરંતુ આજે મુખ્યમંત્રી લોકાર્પણ માટે પહોંચે તે પહેલા કોર્પોરેશન દ્વારા નવી તકતી લગાડી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે નરોડા ખાતે બલરામ થવાની પણ મંગળવારે પહોંચ્યા હતા જ્યારે દલિત સમાજની મહિલાઓએ તેમનો ઘેરાવ કરી લીધો હતો અને પ્રશ્નો કર્યા હતા કે સંત રોહીદાસ ના નામથી ઓવર બ્રિજનું નામ રાખવામાં આવે તેમાં તેમને શું વાંધો છે ? આ તકે પણ 20 જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી હતી. દલિત સમાજના ઉગ્ર વિરોધ વચ્ચે આજે સિંધી સમાજના સદગુરુ ટેઉરામજી મહારાજ ના નામથી બ્રીજનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે.

આ બ્રીજનું લોકાર્પણ સમયે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે નરોડામાં રેલવે ઓવરબ્રિજની માંગ હતી જે આજે પૂરી થઈ છે. વડાપ્રધાન મોદીએ સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર આપ્યું છે. જેમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે અને દરેક ક્ષેત્રમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. તેમણે એવું પણ કહ્યું હતું કે આ વિકાસના ભાગરૂપે હવે આપણે કોરોના માંથી બહાર નીકળી ગયા છીએ.

Leave a Reply

Your email address will not be published.